સેવન હૅબિટ્સ થી સપ્તપદી સુધીની સફર

જ્યારે આપણે કોઈ નવા સ્થળે કામ શરૂ કરીએ ત્યારે મનમાં ઘણા પ્રશ્નો આવે. મને ત્યાં ગમશે? શું મારું સન્માન જળવાશે? મારી ટીમ કેવી હશે? હું ત્યાં કામ કરવાને લાયક છું? આવા અનેક પ્રશ્નો સાથે હું પણ ફાઉન્ટેનહેડમાં જોડાયો. કામ શરૂ કર્યાના થોડા જ દિવસોમાં વિલમોટ ચૌધરીના નામે એક ઈમેઈલ મેઈલબોક્સમાં ટપકી પડ્યો. “આ કોઈ સ્કેમ તો નહીં હોય ને?” “હેં!? આવું તે કેવું નામ?” એવા વિચારો પળવારમાં માનસપટલ પરથી પસાર થયા. પરંતુ આ તો કોઈ “લાઈફ ક્લાસીસ” માં ભાવભર્યું નિમંત્રણ પાઠવતો ઈમેઈલ હતો.

લાઈફ ક્લાસીસને અલગથલક કે એકાંકી (Isolated) કાર્યક્રમ તરીકે લેવો એ બહુ મોટી ભૂલ છે. લાઈફ ક્લાસીસના પ્રથમ દિવસે બે વ્યક્તિત્વો સાથે મુલાકાત થઈ – એક વિલમોટભાઈ અને બીજા ઉત્સવભાઈ. મારી સામે અનુભવના અનેક આયામ સર કરેલા બે વ્યક્તિઓ એકદમ સરળ અને જમીન સાથે જોડાયેલા જણાયા. ‘સેવન હૅબિટ્સ’ જેવા વિષયો પર લખાયેલા પુસ્તકોનો હું પુરજોર વિરોધી, અને અહોભાગ્ય! તે જ વિષય મારી સામે આવીને ઊભો હતો. પરંતુ જેમ જેમ લાઈફ ક્લાસીસના દિવસો પસાર થતા ગયા, તેમ તેમ આ વિષયના વધુ ગહન અને બહુપરિમાણીય અનુભવો પ્રાપ્ત થતા ગયા.

બંને મહાનુભાવોની પોતાની જીવનીનું વિવરણ વધુ રોચક, આશ્ચર્યજનક, ઊંડું, લાગણીસભર અને પ્રેમાળ બનતું ગયું. ધીમે ધીમે લાગવા માંડ્યું કે FS કોઈ સામાન્ય જગ્યા નથી. આ કાર્યક્રમ ફક્ત કરવા ખાતર આયોજિત કોઈ નીરસ કોર્પોરેટ કાર્યક્રમ નથી. અહીં પ્રેમ પ્રવર્તી રહ્યો છે; અહીં દંભ નથી. અહીં ભૂખ છે — સતત ભણતરની ભૂખ. લાઈફ ક્લાસીસના સંચાલકોએ પોતાના જીવનનું લગભગ દરેક પાનું તમારી સમક્ષ ખુલ્લું મૂકી દીધું છે, જેનાથી તમે પણ ડરનો ત્યાગ કરી નિખાલસ બની જાવ છો. બસ આ જ ક્ષણે તમે સંચાલકો અને બાકીના દરેક સહભાગી મિત્રો સાથે એક અવર્ણીય સંબંધ બાંધી બેસો છો.

લાઈફ ક્લાસીસના વિષયોની ઊંડાણપૂર્વક ચર્ચાઓ થતી રહી, પરંતુ આ ૮ દિવસો દરમિયાન ટીમ લીડર અને વાઇસ પ્રિન્સિપાલ સાથેનો વાર્તાલાપ, તેમની સમજ અને વ્યવહારના ઝીણવટભર્યા અવલોકનોએ મને FS ની સંસ્કૃતિ વિશે ઘણું બધું શીખવ્યું. જ્યાં ‘સેવન હૅબિટ્સ’ ને સ્થાન છે ત્યાં ‘સપ્તપદી’ ને પણ સ્થાન છે. જ્યાં અંગ્રેજી બોલાય છે ત્યાં માતૃભાષાને પણ તેટલું જ મહત્વ અપાય છે.

હું આ લાઈફ ક્લાસીસને માત્ર એક “Isolated Event” તરીકે નથી જોતો. તે FS ની સંસ્કૃતિ, તેના પાયાના વિચારો, મૂલ્યનિષ્ઠ શિક્ષણના લક્ષ્યો અને પાયામાં રહેલા વ્યક્તિઓ વિશે ઘણું બધું કહી જાય છે. માત્ર IB શાળા હોવું પૂરતું નથી; પાયો ખોદનાર વ્યક્તિઓની મજબૂત વિચારધારા અને તેને અમલમાં લાવવાની ક્ષમતા પર જ શાળાની સફળતા નભે છે. આ કામગીરી પાર પાડવી એ કોઈ ધૂણી ધખાવીને બેઠેલા સંત જેટલી શાંતિ, એકાગ્રતા, સહિષ્ણુતા અને આત્મવિશ્વાસની સાક્ષી પૂરે છે. અત્યારસુધીની FS ની સફરને સરળ બનાવવા બદલ, જીવન જીવવાની કળાને મૂર્તિમંત કરતા આ જીવંત લાઈફ ક્લાસીસનો આભાર.

Leave a Reply