ઘણું શીખો, ઘણું જીવો
આપણાં આજનાં જીવનમાં ઘણી ઓછી એવી ક્ષણો હોય છે કે જેમાં આપણે શાંતિથી બેસીને આપણાં જીવન વિષે વિચારતા હોઈએ છે. ભણવું-ગણવું, લખવું-વાંચવું એ બધું તો બધાએ કરવાનું જ છે, પરંતુ તમે એવું તો શું કરશો કે તમે આ માનવ મહેરામણમાં થોડાં ઘણાં પણ અલગ તણાઈ આવો? આપણી ફાઉન્ટેઇનહેડ સ્કૂલમાં લાઈફ કલાસિસ (Life Classes) જેવી પ્રવૃત્તિઓ યોજીને લોકોના જીવનને ઉકેલવાનાં આ પ્રયાસો માટે હું શાળાનો આભાર માનું છું. હંમેશથી જ જીવનને અલગ રીતે જોવાનાં મારાં નજરિયાને અને એક વિચારકના આ વિચિત્ર એવાં મનને જ્યારે આ પ્રકારનો લાઈફ કલાસિસનો માર્ગદર્શક ટેકો મળે ત્યારે જ ખરી આવડત બહાર આવે છે.
બકા આપણું ખાતું એવું છે ને કે ટાઈમપાસ વળી વાતો કરવાની આવે તો જાજી મજા નાં આવે. એક હદ સુધી એવી વાતો ઠીક છે. આપણને કેવું, કે કાંઈક શીખવા મળે કે સમજવાં મળે અથવા તો એવાં લોકો કે જે થોડાં ઘણાં ઊંડા ઉતરી ગયેલા વિચારક હોય, તો મજા પડી જાય. લાઈફ કલાસિસમાં થતી વાતો, લોકોના આંતરિક મનનાં મંતવ્યો, વૈવિધ્યતાથી ભરેલી વિચારસરણીઓ અને સ્ટીફન કોવેની ચોપડીમાંથી મળતો સાર એટલે એક વિચારકનાં ભૂખ્યા મન માટેનો આદર્શ ખોરાક જ સમજો!
અનુભવની વાત કરું તો આ લાઈફ કલાસિસનાં કારણે જ જીવનમાં કંઈકેટલીય જગ્યાએ, કંઈકેટલીય પરિસ્થિતિઓમાં અને વિવિધ લોકો સાથેની મુલાકાતમાં જયારે એનું લાઈવ (Live) અમલીકરણ કરતો થયો છું. આ જ અનુભવોના કારણે મારી બદલાયેલી વિચારધારા અને જીવનમાં અપરંપરાગત રીતે ફેંકાયેલા પાસાઓનો સામનો કરવો ઘણો ખરો સરળ થયો છે. જયારે પાછળ જોઈને વિચાર કરું છું કે “હું શું શીખ્યો?” ત્યારે જઈને ભાન પડે છે કે આપણને તો જીવન જીવવાની કળા વિષે ઘણો આછો પાતળો ખ્યાલ હતો.
લાઈફ કલાસિસમાં કુલ મળીને ૭ સારી ટેવોનો પરિચય કરાવવામાં આવ્યો જેનું મહત્વ ચોક્કસપણે જાળવવું જરૂરી છે. કુલ મળીને સાર એવો છે કે તમે જીવો છો એ તો ઠીક છે boss, પરંતુ જીવવાની એક એવી આવડત પણ હોવી જોઈએ કે જેનાથી તમારું અને તમારી આજુબાજુના લોકોનું વ્યક્તિત્વ ખીલી ઉઠે. ભલે એ સમાજ હોય, તમારો ધંધો હોય, લગ્નજીવન હોય કે કંઈ પણ.
ઘણું શીખો.
ઘણું જીવો.